[1]
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
[2]
ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !
[3] એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
[4]
છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’
મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’
છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’
[5]
કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.
નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’
[6]
એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :
‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’
હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’
ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !
[7]
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
[8]
ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’
દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’
No comments:
Post a Comment