Here on this Blog, I Mr.Jitendra A.Patel has kept many useful links,School related queries and its solution, Puzzles,onlilne survey,colourful slide show,current headlines,Mathematical Activities,Projects which will useful to all of you.
Sunday, May 25, 2008
વિરાટને હિંડોળે- પુસ્તકમાંથી લીધેલા અવતરણો
- ‘તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો અને કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.’ - ચીની કહેવત
- મરનારી પ્રત્યેક ભાષા પોતાની સાથે જે તે સમાજની અસ્મિતા ( આઈડેંટિટી) લેતી જાય છે.
- આકાશ અને ધરતી વચ્ચે ભીની ગુફતેગોને લોકો વરસાદ કહે છે.
- પ્રયાસ વગરની પ્રાર્થના વાંઝણી છે અને પ્રાર્થના વગરનો પ્રયાસ શુષ્ક છે. કર્મના સંગાથ વગરની ભક્તિ પ્રમાદની બંદિની છે. પ્રયાસની ચરમસીમાએ પ્રારબ્ધની શરૂઆત થાય છે.
- સ્વસ્થ સમાજ પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન ન હોઈ શકે, એ મૈત્રીપ્રધાન હોવો જોઈએ. મૈત્રીથી શોભતા લગ્નજીવનમાં પ્રાપ્ત થતી એકમેકતા સ્નેહની સુગંધ ધરાવતી હોય છે.
- હજી સુધી દીવાની કોઈ જ્યોત અંધારાને કારણે હોલવાઈ ગઈ હોય એવું બન્યું નથી.
- લોકો આપણને અત્યંત ઉમળકા સાથે આવકારે ત્યારે આપણા જવાબદારીનું વજન પણ વધી જાય છે.
- ‘આ જગતમાં અજાણ્યા કોઈ નથી. એ બધા તો એવા મિત્રો છે, જેઓ અગાઉ મળ્યા નથી.’ - રવીન્દ્રનાથ ટાગોર
- હિંસાનો સંબંધ કેવળ હત્યા કે લોહી સાથે જ નહીં, શોષણ અને અન્યાય સાથે પણ છે. આ વાત ધર્મની ઓથે ભૂલી જવામાં આવે છે. ગરીબી તેથી ટકી છે.
- ‘પુષ્પોનું મધુ ચૂસીને આભારનું ગુંજન કરતા ભ્રમરો ઊડી જાય છે. ભપકાદાર પતંગિયું નિશંક માને છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ.’- રવીન્દ્રનાથ ટાગોર.
- નાની નાની અનુભૂતિઓનું વિરાટ વિશ્વ આપણી આસપાસ સતત પ્રગટતું-પ્રચરતું રહે છે. આદમી એમાં તરતો, તણતો કે ડૂબતો રહે છે. સર્જકો એમાં ડૂબકી મારતા રહે છે. ક્યારેક એમના હાથમાં મોતીડાં આવે ત્યારે જગતને કશુંક નોખું-અનોખું સર્જન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સર્જન માણસની ગહનતમ અનુભૂતિનું મનોહર શિલ્પ છે.
- જ્યાં જરા જેટલું પણ જોખમ નથી ત્યાં જરા જેટલું પણ જીવન નથી હોતું.
- વસંતવૃત્તિ એટલે જીવનને ધરાઈને માણવાની હઠ.
- જે વિચારપૂર્વક જીવે છે તે માણસ છે. જે માત્ર જીવ્યે જ રાખે છે તે ઉત્ક્રાંતિનું અપમાન કરે છે.
- ટીવી વિદ્યુતશક્તિ નહીં, વિચારશક્તિ ખાનારું સાધન છે. ટીવી આપણી અક્કલનો આહાર કરતું રહે છે.
- છીછરાપણું જીવનમાં છવાઈ જાય ત્યારે સ્મિત પણ હોઠોનો વ્યાયામ બની જાય છે.
- ઉપવાસનો મહિમા થયો તેટલો જો હેલ્થ-ફૂડનો થયો હોત તો દેશ ઘણો નિરોગી હોત.
- ડાયાબિટીસ જેવો મતલબી રોગ બીજો કોઈ નથી. એ કદી મજૂરી કરનારના ઘરનો મહેમાન નથી થતો. એ સ્વભાવે બંગલાપ્રેમી અને સુખલાલચુ રોગ છે.
- અન્ન-વિવેક વગર જીવનસાધના જામતી નથી.. કદાચ હજારે દસ માણસો અન્ન-વિવેક જાળવીને ખાતા હશે. આ એક એવી બાબત છે, જેમાં માણસ જાનવર કરતાં પણ પછાત જણાય છે.
- દુનિયામાં રોજ ઘણા માણસો ભૂખે મરે છે. કદાચ એનાથીય વધારે મોટી સંખ્યામાં માણસો વધારે ખાઈને અકાળે મરે છે. પચાસની ઉંમર પછી માણસ જો ખાવાનું અડધું કરી નાખે, તો ઘણા રોગોથી બચી શકે.
- જમવાના પાટલે બેસીને કરેલા ગુનાઓની સજા ખાટલામાં પડીને ભોગવવી પડે છે.
- લોકો જેટલા ગેરસમજથી ડરે છે તેટલા ગેરકૃત્યથી ડરતા નથી.
- દુનિયાદારીના ચોકઠામાં સરસ રીતે ગોઠવાઈ જાય એવા માણસને વ્યવહારુ કહેવામાં આવે છે.
- આખાબોલો માણસ એટલે એવો માણસ, જે બોલતી વખતે આખો ને આખો રહી શકે. વ્યક્તિત્વના ટુકડા ન પડે તે રીતે જે લાગે તે સાચું કહી દેવું, એ જેવુંતેવું પરાક્રમ નથી. મનમાં હોય તેનાથી જુદું બોલવામાં માણસની અખિલાઈ ( integrity) ખતમ થાય છે.
- યુધ્ધ આપણો ઈતિહાસ છે અને શાંતિ આપણું શમણું છે.
- ભદ્રતાને નામે આપણે એક એવો દંભપ્રધાન સમાજ રચી બેઠાં છીએ જેમાં કારેલું પણ પોતાનું કડવું સત્ય જાળવી ન શકે.
- ‘મેં લોકો આગળ ગર્વ કર્યો હતો કે હું તને જાણું છું. એ લોકો મારી કૃતિઓમાં તારો હાથ જોતા હતા.’- રવીન્દ્રનાથ ટાગોર (ગીતાંજલિ).
- લોહીની સગાઈ માણસને સંબંધની બારાખડી શીખવે છે.
- બધી જ લાગણીઓ માણસજાત જેટલી જૂની છે. વિગતો બદલાય છે, લાગણીઓ તો જે હજારો વર્ષો પર હતી, તેની તે જ છે. બ્લડપ્રેશર(બી.પી.)ની શોધ નવી છે, બ્લડપ્રેશર નવું નથી.
- રોગ થાય એનો અર્થ જ એ કે શ્વેતકણોની પાંડવસેના રોગનાં જંતુઓની કૌરવસેના સામે હારી ગઈ. આપણા શરીરમાં ફરતું લોહી એક રણમેદાન જેવું છે.
- માણસ જ્યારે અંતરના ઊંડાણમાંથી કશુંક બોલે છે ત્યારે એના આત્માની વાણી દ્વારા સાક્ષાત પરમેશ્વર પ્રગટ થતો હોય છે.
- દુનિયામાં આપણે એવો સમાજ રચવા માગીએ છીએ, જેમાં સ્મિતનું સન્માન હોય અને આંસુનો આદર હોય. આ વા સમાજના બે આધારસ્તંભો, તે પ્રેમ અને કરુણા.
- જે સમાજમાં પ્રેમનો પ્રભાવ હોય, કરુણાનો કાયદો હોય અને અહિંસાની આણ હોય તે સમાજ સભ્ય ગણાય.
- ‘કલા અને વિજ્ઞાન દ્વારા ઉચ્ચ કક્ષાએ કેળવાયેલાં આપણે સૌ એટલી હદે સુધરેલાં બની ચૂક્યાં છીએ, કે સામાજિક સભ્યતા અને ઔચિત્યના બધા ખ્યાલોના બોજ તળે આપણે દબાઈ મરેલાં છીએ.’ - ઈમેન્યુએલ કાન્ટ.
ગુણવંત શાહ
પુસ્તક: વિરાટને હિંડોળે
પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની, મુંબઈ 400 002 / અમદાવાદ 380 001.
Friends ,
Do you want to search your age?
SO EASY.Go on http://www.citehr.com/99104-age-mirror.html and open attachment.Write Your birth date.